Revelation of John 11

1લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા વેદીનું માપ લે તથા ત્યાંના ભક્તિ કરનારાઓની ગણતરી કર. 2પણ ભક્તિસ્થાનની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.

3મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે. 4જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભાં છે તેઓ એ જ છે. 5જો કોઈ તેઓને ઇજા પપોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છેશે તો તેને માર્યા જવું પડશે.

6તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમ્યાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલીવાર ચાહે તેટલીવાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે. 7જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે.

8જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો [પડ્યા રહે છે]; 9અને લોકો, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતા નથી.

10પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું. 11સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી. 12તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે ‘તમે અહી ઉપર આવો’ અને તેઓ વાદળ પર થઈને આકાશમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.

13તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યાં અને જે બચી ગયાં તેઓ ગભરાયાં, તેઓએ સ્વર્ગના ઈશ્વરની સ્તુતિ કરી. 14બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.

15પછી સાતમા પોતાનું રણશિંગડુ દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ્ય કરશે.’

16જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં આસન પર બેઠા હતા તેઓએ દંડવત કરીને ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું કે, 17‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને રાજ કરો છો.

18દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’

પછી આકાશમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.

19

Copyright information for GujULB